ગુજરાતમાં અહિં કોરોનાનું સંક્રમણ વધતા અપાયું 12 દિવસનું લોકડાઉન, આવતી કાલથી લાગું

 


ગુજરાતમાં કોરોના વાયરસનો દાવાનળ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના પોઝિટીવના કેસો વધી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં મનપા દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ બન્ને દિવસે ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સુરતના માંગરોળને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના માંગરોળમાં 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે.

સુરતના માંગરોળ તાલુકા મથકે આવતી કાલથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ ગ્રામ પંચાયતે આ નિર્ણય લીધો છે. જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

તમને જણાવી દઇએ કે, માંગરોળ તાલુકામા અત્યાર સુધીમાં 495 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. જ્યારે તાલુકામાં 18 લોકોના મોત થઇ ચુક્યા છે.

ઉલ્લેખનિય છે કે, લોકડાઉનનાં કારણે સમગ્ર દેશમાં લોકોના રોજગાર-ધંધા ભાંગી પડ્યા છે અને લોકો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે તે વાતથી સૌ કોઇ અવગત છે. ત્યાં જ માંગરોળમાં પણ વધુ 12 દિવસનું લોકડાઉન અપાતા અહિંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ગ્રામ પંચાયતે આ નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લીધો છે જેથી કરીને માંગરોળના લોકો સ્વસ્થ રહે.